ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્લોટો પર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. “મફત પ્લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.
શરૂઆતમાં રૂ.૨૦૦૦૦/- ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ થી આ યોજના હેઠળ રૂ.૪૫૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ પ્રથમ હપ્તો એડવાન્સ ૨૧૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે ૧૫૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ૯૦૦૦/- આપવાની જોગવાઇ છે.
રાજ્યમાં ૧૭ થી ૨૦ ની બી.પી.એલ સ્કોર ધરાવતા મોટાભાગના ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવાતા વર્ષ ૨૦૧૩ માં કાચા આવાસ ધરાવતાં પાત્ર કુટુંબોને આવરી લઇને ૪,૨૯,૯૦૦ આવાસો મંજુર કરવામાં આવેલ હતા.
ત્યારબાદ ૦૮/૦૮/૨૦૧૩ ના પંચાયત વિભાગના ઠરાવથી ૧૭-૨૦ સુધીનો સ્કોર ધરાવતા બી.પી.એલ કુટુંબોને ઇંદિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનુ મકાન બનાવી શકે.
ઉપરાંત પ્લોટ ફાળવણી માટે “જમીન સંપાદન”, કરવા તેમજ “પ્લોટ વિકાસ”, “માળખાકીય સુવિધાઓ” જેવી કે, પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વિજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઇ કરવામાં આવેલ છે. જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સગવડો પ્રાપ્ત થઇ શકે.
(બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને સહાય)
રાજ્યમાં સરદાર આવાસ યોજના-૧ હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ કુટુંબોને આવરી લેવામાં આવતાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના-૨ તરીકે પંચાયત વિભાગના તા-૧૮/૦૨/૨૦૧૪ ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ ૧ લાખ સામે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે રૂ૧૦૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઇલેટ સાથે) રૂ.૨૦૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ.૧૦૦૦૦/- આપવાની જોગવાઇ છે.